ટ્રમ્પે દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલીમાં ઉત્તર કોરિયા પર નિશાન સાંધતા કહ્યું કે જે હથિયાર તમે તમારી પાસે રાખી રહ્યા છો, તે સુરક્ષિત નથી. આ તમારા દેશને ગંભીર ખતરા તરફ લઇ જઇ રહ્યું છે. જેટલા તમે આ અંધકારભર્યા રસ્તાની તરફ અગ્રેસર થશો. તમારા માટે એટલી જ મુશ્કેલી વધશે.

ટ્રમ્પે ‘ક્રૂર તાનાશાહી અન પરમાણુ દુસાહસ’ માટે પ્યોંગયાંગની ઝાટકણી કરતાં કહ્યું કે ઉત્તર કોરિયાએ વૉશિંગ્ટનની તાકતને ઘટાડીને આંકવું જોઇએ નહીં. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આ પ્રશાસન અમેરિકાના પહેલાંના પ્રશાસન કરતાં એકદમ અલગ છે. આજે જ્યારે હું ઉત્તર કોરિયાને કંઇક કહી રહ્યો છું તો આશા કરું છું કે માત્ર હું મારા દેશની તરફથી બોલી રહ્યો નથી, પરંતુ તમામ સભ્ય દેશોની તરફથી બોલી રહ્યો છું. અમને નબળા ના સમજે અને અમારી પરીક્ષા ના લે.’

સમાચાર એજન્સી યોનહપના મતે ટ્રમ્પે ‘મજબૂતી દ્વારા શાંતિ’ના પોતાના મંત્રને દોહરાવી અને ચીન, રૂસ અને વિશ્વથી ‘ક્રૂર શાસક’ને અલગ-થલગ કરવા માટે સંયુક્ત પ્રયાસ કરવાનું આહ્વાન કર્યું. ટ્રમ્પે કહ્યું, ‘વિશ્વ એક દુષ્ટ શાસનને સહન કરી શકે નહીં, જે પરમાણુ હુમલાની ધમકી આપે છે. તમામ જવાબદાર દેશોએ ઉત્તર કોરિયાના ક્રૂર શાસનને અલગ-થલગ કરવા માટે એક સાથે કામ કરવું જોઇએ.’