આપણા રસોડામાં આગવું સ્થાન ધરાવતી અને વઘારમાં વપરાતી હિંગ પણ એક ઉત્તમ ઔષધ છે. વઘારમાં વપરાતી હોવાથી સૌરાષ્ટ્રમાં હિંગને ‘વઘારણી’ પણ કહેવામાં આવે છે.

આપણે બજારમાંથી જે તૈયાર હિંગ લાવીએ છીએ તે મોટે ભાગે ભેળસેળ વાળી હોય છે. તેથી આખી હિંગ લાવવાનો આગ્રહ જ રાખવો. આજે આપણે હિંગના થોડા પ્રયોગ જોઈએ.

  • સારી હિંગનો વઘાર કરવાથી પેટમાં વાયુ કે ગેસ થતો નથી.
  • આફરો ચડયો હોય કે પેટમાં દુખાવો થતો હોય તો દીવેલમાં મેળવીને સહેજ ગરમ કરેલી હિંગ નાભિની આજુબાજુ લગાવવી.
  • આયુર્વેદના આચાર્યોએ હિંગને શૂળનું પ્રશમન કરનારા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણી છે. તે વાયુને નીચે તરફ ધકેલતી હોવાથી આંતરડામાં ગેસને એકઠો થવા દેતી નથી. સખત હેડકી આવતી હોય કે શ્વાસ ચડયો હોય તો હિંગ, અડદ, મરી અને હળદરની ધૂમાડી આપવાથી હેડકી અને શ્વાસમાં તત્કાળ રાહત થાય છે.