બિહાર અને ખાસ કરીને સિવાનના લોકોને હાશકારો થાય તેવા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આજે બાહુબલી નેતા મોહમ્મદ શાહબુદ્દીનના જામીન રદ કરી નાખ્યા છે. શાહબુદ્દીનને પટણા હાઈકોર્ટે જામીન આપ્યા હતાં. પટણા હાઈકોર્ટનો ચૂકાદો રદ કરીને સુપ્રીમ કોર્ટે શાહબુદ્દીનના જામીન રદ કર્યાં. શાહબુદ્દીને હવે ફરીથી જેલમાં જવું પડશે.

શાહબુદ્દીનના વકીલ શેખર નાફડેએ અનેક તકનીકી પહેલુઓના સહારે જામીન રદ ન કરવા માટે જોરદાર દલીલો કરી હતી. તેમણે દલીલ કરી કે ચંદાબાબુના જે ત્રીજા પુત્રની હત્યાનો આરોપ શાહબુદ્દીન પર છે તેની હત્યા સમયે તે જેલમાં હતો. બીજીબાજુ ચંદાબાબુના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં જણાવ્યું કે શાહબુદ્દીન જેલમાં હતો પરંતુ તે પોતાની મરજીથી જ્યારે ઈચ્છે ત્યારે બહાર આવતો હતો અને આ વાત સીવાનના મેજિસ્ટ્રેટે પોતાના રિપોર્ટમાં પણ જણાવી હતી.

શાહબુદ્દીનના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલને ચાર્જશીટની કોપી પણ આપવામાં આવી નથી. કોર્ટે ચાર્જશીટવાળા આરોપ પર જ્યારે બિહાર સરકારના વકીલને પૂછયું તો તો બિહાર સરકાર પાસે જો કે કોઈ જવાબ નહતો. જેના પર કોર્ટે ટિપ્પણી પણ કરી કે આ ગંભીર વાત છે કે 17 મહિના સુધી આરોપીને ચાર્જશીટની કોપી ન મળે. પ્રશાંત ભૂષણે આ આરોપનો જવાબ આપતા કહ્યું હતું કે શાહબુદ્દીને ક્યારેય ચાર્જશીટની માંગણી કરી નહતી. એવા સંજોગોમાં આ આરોપો પાયાવિહોણા છે.