હાર્દિકના 25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઈને રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી છે. તમામ પોલીસ કર્મચારીને 25 ઓગસ્ટના દિવસે સ્ટેન્ડ ટૂ રહેવા માટે આદેશ અપાયા છે.

હાર્દિકના ઘર નજીક અને પાટીદાર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવા માટે પણ આદેશ અપાયા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક પોલીસની સાથે જ એસઆરપીની 3 ટૂકડી પણ તૈનાત કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 3 ડીસીપી, 8 એસીપી, 35 પીઆઈ, 200 પીએસઆઈ અને 3000 પોલીસ જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે પણ એક ખાસ સેલ બનાવાયો છે. પોલીસે જણાવ્યું કે, તોફાન કરનારા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે.

હાર્દિકના ઘરની આસપાસ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શુક્રવાર રાતથી જ હાર્દિકના ઘરે રાજ્યભરમાંથી તેના સમર્થકોની આવવાની શરૂઆત થઈ ચુકી છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક સમર્થકો હાર્દિકના ઘરે ઉમટી રહ્યા છે.