આઈપીસીની કલમ 377નો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઈઓને ગુનામાંથી બહાર કરવા સાથે જોડાયેલી અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે પ્રથમ વખત આ મામલે સત્તાવાર રીતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સમલૈન્ગિક સંબંધ બનાવવો તે કોઈનો ખાનગી વિચાર અને પસંદ હોઈ શકે છે.

એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, વિભિન્ન સમાજમાં ફેરફાર થઇ રહ્યો છે. કલમ 377 પર સરકારનું વલણ પણ તેમને બતાવે છે. એવું મનાઈ રહ્યું છે કે જાતિય સંબંધો કોઈ પણ વ્યક્તિની ખાનગી પસંદ હોઈ શકે છે, તો તેને ગુનામાંથી બહાર કેમ કરી ન શકાય? આ સંપૂર્ણ રીતે માનવીની પસંદનો મામલો છે. આ ભારતમાં નિવાસ કરી રહેલા લોકોના વિચારોમાં આવતા પરિવર્તનને બતાવે છે.

અહીં જણાવવાનું કે આ અગાઉ કેન્દ્ર સરકારે આ નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડ્યો હતો કે સમલૈંગિકતાને ગુનાના દાયરામાંથી બહાર લાવવો જોઈએ કે નહીં. આ મામલાની સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે ધારા 377 પર કોઈ સ્પષ્ટતા આપી નહોતી અને કહ્યું હતું કે કોર્ટ જ નક્કી કરે કે 377 હેઠળ સહમતિથી સમલૈંગિક સંબંધ બનાવવો ગુનો છે કે નહીં. એડિશનલ સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી કહ્યું હતું કે અમે 377ની માન્યતાનો મામલો સુપ્રીમ કોર્ટ પર છોડીએ છીએ, પણ જો સુનાવણીનો સમય વધે છે તો સરકાર સોગંદનામુ આપશે.