પાટનગર ગાંધીનગરમાં આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ-ટેક (ગિફ્ટ) સિટીમાં 100 કરોડના ખર્ચે SBIની નવી લોકલ હેડ ઓફિસ બનશે. એસબીઆઈના ચેરમેન અરૂંધતી ભટ્ટાચાર્ય અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરાયું હતું. આ નવી ઓફિસ 2019 સુધીમાં ગિફ્ટ સિટીમાં શિફટ થઇ જશે.

અરૂંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર એસબીઆઈ 100 કરોડના ખર્ચે 2,00,000 સ્ક્વેર ફૂટ એરિયામાં 14 માળની ઓફિસનું નિર્માણ કરશે. હાલ એસબીઆઈની લોકલ હેડ ઓફિસ અમદાવાદના લાલ દરવાજા ખાતે કાર્યરત છે. અમદાવાદમી આવેલ બ્રાન્ચ ઓફિસ 50 વર્ષ જૂની છે. લાલ દરવાજામાં આવેલ હેડ ઓફિસમાં ગ્રાહકોને પાર્કિંગ સહિત ઘણી બધી અગવડો પડે છે. ત્યારે હવે નવી હેડ ઓફિસ ગિફ્ટ સિટીમાં આકાર લશે.

1692006

ઓફિસની સાથે એસબીઆઈ 100 કરોડના ખર્ચે 2,20,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં રેસિડેનશિયલ એરિયાનું પણ નિર્માણ કરશે. રેસિડેન્શિયલ એરિયામાં 2 હજાર કર્મચારીઓ માટે કુલ 180 એપાર્ટમેન્ટ સાથે બે ટાવર અને 7 બંગલાનું નિર્માણ કરાશે. નવી ઓફિસના ખાતમૂહૂર્ત સાથે એસબીઆઈએ ઔપચારિક રીતે ગિફ્ટી સિટીમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર(IFSC)માં ઈન્ટરનેશનલ બેંકિગ યુનિટ (IBU) શરૂ કર્યું છે. આ પ્રસંગે વિજય રૂપાણીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં બિલ્ડીંગ તૈયાર થઈ જશે અને એસબીઆઈની નવી ઓફિસથી ગીફ્ટ સિટીને વધુ માઈલેજ મળશે.