ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથના ઊનાનું અમોદ્ગા ગામ સંપર્ક વિહોણું થયું છે. શાહી નદીમાં પાણીની આવક થતા પુરની સ્થિતિ સર્જાઇ છે. નદીના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે. તેમજ નદીના પાણી ખેતરમાં ભરાતા પાક ધોવાયો છે.

ઊનામાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્તા ઊનાથી એમદપુર માંડવી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ઊનાથી દીવ જતા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. ધોધમાર વરસાદને કારણે સુત્રાપાડાના વિરોદર ગામની સિમમાં 22 વ્યક્તિ ફસાયા છે. ગામમાં સરસ્વતી નદીના ધસમસતા પુર આવતા 4 પરિવારના 22 વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાયા હતા. જેથી તે લોકો જીવ બચાવવા મકાનના ધાબે ચડી ગયા હતા.

વરસાદના થોડા વિરામ બાદ અમરેલીમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. વરસાદના પગલે નદી નાળામાં પાણીની આવક થઇ છે. મેરિયાણાની ફુલજર નદીમાં પુરની સ્થિતિ જોવા મળી છે.અમરેલીમાં રાજુલાનું ચોતરા ગામ જળબંબાકાર થયુ છે. જેથી ચોતરા ગામે આવવા જવાના રોડ રસ્તા ધોવાયા છે. ધોધમાર વરસાદથી 2500થી વધુ જનસંખ્યા ધરાવતા ગામની હાલત કફોડી બની છે. વધતા પાણીના પ્રવાહને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોતરા ગામના સ્થાનિક લોકો તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે.