સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણીની જિઓ અને એરિક્સન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે ચુકવણી વિવાદ મામલે થયેલી સમજૂતીને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણી હવે દેવામાં ડૂબેલા તેના નાના ભાઈની મદદ કરી શકશે. જોકે, કોર્ટે આરકોમને 30 સપ્ટેમ્બર સુધી એરિક્સન ઇન્ડિયાને 550 કરોડ રૂપિયાની ચુકવણી કરવા માટે હુકમ કર્યો છે.

એરિક્સન ઇન્ડિયાએ આરકોમ સાથે 2014માં સાત વર્ષ માટે દેશભરમાં દૂરસંચાર નેટવર્કને ચલાવવાનો કરાર કર્યો હતો. ઘટી રહેલા રેવન્યુના કારણે એરિક્સનનો આરકોમ પર 978 કરોડનું દેવું થઈ ગયું હતું, જે હાલ વધીને 1,600 કરોડ થઈ ગયો છે. આ મામલે એરિક્સન એનસીએલટીમાં ગઈ હતી.

જયાં તેણે આરકોમને દીવાલિયા જાહેર કરી તેને ઇન્સૉલ્વેંસીમાં મોકલવાની માંગ કરી હતી. ચાલુ વર્ષે આરકોમે એનસીએલટીને જણાવ્યું હતું કે, તેણે એરિક્સન સાથે કોર્ટ બહાર સમજૂતી કરવાનો નિર્ણય કર્યો છે અને 30 સપ્ટેમ્બર સુધી તે કંપનીને 550 કરોડ રૂપિયા ચુકવશે.

કોર્ટે આદેશ કરતા જણાવ્યું છે કે, 550 કરોડ રૂપિયાની ચુકવણી 30 સેપ્ટેમ્બર 2018 અથવા તેથી પહેલા થવી જોઇએ. સાથે કોર્ટ આરકોમના ચેરમેનને એક અઠવાડિયાની અંદર સોગંદનામું આપવા માટે પણ કહ્યું છે. કેસમાં આગળની સુનાવણી 1 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.