સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનાં અધ્યક્ષપદ પર રાહુલ ગાંધીની તાજપોશીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સોમવારે ૧૦ જનપથ ખાતે આયોજિત કોંગ્રેસ કારોબારીની બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીના કાર્યક્રમને લીલી ઝંડી બતાવી દેવામાં આવી હતી.

હાલના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં મળેલી કારોબારીની બેઠકમાં મંજૂર કરાયેલી ચૂંટણીપ્રક્રિયાનો પ્રારંભ ૧ડિસેમ્બરથી થશે અને ૧૯મી ડિસેમ્બરના રોજ પૂરી કરાશે, જોકે ઔપચારિકતા સમાન આ ચૂંટણીમાં રાહુલ ગાંધીનો બિનહરીફ વિજય નક્કી જ છે. સાત વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસમાં સંસ્થાકીય ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે.

છેલ્લાં બે વર્ષથી સોનિયા ગાંધીની નાદુરસ્ત તંદુરસ્તીને કારણે બેકસીટમાં ચાલ્યાં જતાં રાહુલે કોંગ્રેસની બાગડોર સંભાળી હતી. ૨૦૧૩માં રાહુલની નિયુક્તિ કોંગ્રેસના ઉપાધ્યક્ષપદે કરાઈ હતી. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી પાર્ટીને એકજૂથ રાખવા અને અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં કુશળ એવાં સોનિયા ગાંધી કોંગ્રેસમાં ચીફ પેટ્રન અથવા તો કોંગ્રેસ સંસદીય પાર્ટીના વડા તરીકેની ભૂમિકા ભજવી શકે છે.