કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની જીત નિશ્ચિત કરવા કમર કસી લીધી છે. રાહુલે કોર ગ્રૂપ કમિટી, મેનિફેસ્ટો કમિટી અને પબ્લિસિટી કમિટી સહિત કુલ ત્રણ કમિટીની રચના કરી છે.

રાહુલે કોર ગ્રૂપ કમિટીમાં ફરી એકવાર જૂના ચહેરાઓ પર ભરોસો મુક્યો છે. કોંગ્રેસ કોર ગ્રુપ કમિટીમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું નામ પણ જોડાયું છે. બીજી બાજુ પબ્લિસિટી કમિટીની જવાબદારી નવા ચહેરાઓને સોંપવામાં આવી છે. કમિટીઓ અંગે માહિતી આપતાં પાર્ટી સંગઠનના મહામંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે આ સમિતિઓની રચના સાથે કોંગ્રેસ ચૂંટણી મોડમાં જશે, ચૂંટણી ઢંઢેરા તૈયાર કરવા માટે કામ શરૂ કરાશે અને પ્રચાર અને સમન્વય માટે રણનીતિ બનાવાશે.

કોર ગ્રૂપ કમિટીમાં એકે એન્ટની, ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બરમ, અશોક ગહેલોત, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કે સી વેણુગોપાલ સહિત કુલ નવ નામો સામેલ કરાયા છે. બીજી બાજુ મેનિફેસ્ટો કમિટીમાં કુલ ૧૯ નામો અને પબ્લિસિટી કમિટીમાં કુલ ૧૩ નામોને સામેલ કરાયા છે.