કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે વિદેશની ધરતી પરથી ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદીની વિદેશનીતિ પર સીધો સવાલો પેદા કર્યો છે. લંડન સ્થિત થિંકટેંક ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં બુદ્ધિજીવીઓને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી માટે ડોક્લામ વિવાદ એક ઈવેન્ટ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. એ એક પછી એક એવી કેટલીય ઘટનાનો હિસ્સો છે. વડાપ્રધાન મોદી ડોકલામને ફક્ત એક ઈવેન્ટના રુપમાં જોવે છે. જો તેમણે ધ્યાનથી આખી પ્રક્રિયા જોઈ હોત તો એ(મોદી) આજે રોકી શક્યા હોત. કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે,એ હકીકત છે કે ડોકલામમાં આજે પણ ચીની સેના ઉપસ્થિત છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ પાકિસ્તાનને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને લઈને વડાપ્રધાન મોદી પાસે કોઈ જ ઊંડાણપૂર્વકની વિચાર કરેલી રણનીતિ નથી. પાકિસ્તાન સાથે વાતચીત કરવી મુશ્કેલ છે, કારણ કે ત્યાં કોઈ એવી સંસ્થા નથી, જે સર્વોચ્ચ હોય. અમે ત્યાં સુધી રાહ જોઈશું, જ્યાં સુધી પાકિસ્તાનમાં યોગ્ય ઢાંચો બને નહીં.

આ સિવાય રાહુલ કહ્યું કે, ભારત ૭૦ વર્ષથી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. લોકશાહી સિદ્ધાંતોના આધારે ગ્રામ્ય ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે. અમે શાંતિપૂર્ણ રીતે બદલાવ લાવી રહ્યાં છીએ. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સત્તાના કેન્દ્રીકરણનો આરોપ લગાવ્યો હતો. આજે પૂરી સત્તા પીએમઓ પાસે કેન્દ્રિત થઈ ગઈ છે.