ભાજપે ઉદ્યોગપતિ અને પાટીદાર ધનજીભાઈ પટેલની જાહેરાત કરતાની સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો, ટેકેદારોમાં નારાજગી પ્રર્વતી ગઈ હતી. ટિકીટ મામલે અસંતોષ થતાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા.

પૂર્વ મંત્રી અને ક્ષત્રિય આગેવાનનું પત્તુ ઈરાદા પૂર્વક કાપ્યાનો બળાપો ઠાલવી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી ફેર વિચારણા બાદ પુનઃ ટિકીટ ફાળવવાની માંગ બુલંદ બનાવી હતી. રાજયમાં ભાજપે પ્રથમ યાદી બહાર પાડી છે. જેમાં ઝાલાવાડની પ પૈકી લીંબડી અને વઢવાણ બેઠકના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. વઢવાણની બેઠક ઉપર પાટીદાર અને મેકસન ગ્રૃપના ઉદ્યોગપતિ ધનજીભાઈ પટેલને ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કરતાની સાથે દાવેદાર આઈ.કે.જાડેજા ના ટેકેદારોમાં સોપો પડી ગયો હતો. અને ક્ષત્રિય આગેવાનો, હોદ્દેદારો અને ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ થી વધુ લોકો શનિવારે સવારે મારતી મોટરે ગાંધીનગર દોડી ગયા હતા.

જયાં આઈ.કે.જાડેજાના નિવાસ સ્થાને એકઠા થઈ વઢવાણની બેઠક ઉપર પુનઃ ટિકીટ ફાળવવા મામલે પરામર્શ કરી હતી.આ લખાય છે ત્યારે પણ શનિવારે મોડી સાંજે વઢવાણ વિસ્તારમાં આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો, હોદ્દેદારો અને અન્ય સમાજના ટેકેદારો એકઠા થયા હતા