પ્રિયંકા ચોપરા મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર બિન્દાસ્ત પોતાના વિચારો રાખવા માટે જાણીતી છે. તે પોતાને નારીવાદી ગણાવી ચુકી છે, જો કે તેને વાંધો છે કે આનો લોકો ખોટો અર્થ નીકાળે છે. પ્રિયંકા ચોપરાનાં કહ્યા પ્રમાણે નારીવાદનો મતલબ ‘મહિલાઓને પુરૂષોની જેમ આગળ વધવા માટે સમાન તકો આપવા માટેનાં પ્રયત્નો કરવા તે છે, નહીં કે પુરૂષો પર પોતાનું વર્ચસ્વ જમાવવું.’

દુબઇમાં ‘ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કિલ ફોરમ’ નામની ઇવેન્ટમાં એક માણસે પ્રિયંકાને અજીબ સવાલ કર્યો હતો, જેનો પ્રિયંકાએ ધારદાર જવાબ આપ્યો હતો. એક વ્યક્તિએ પ્રિયંકાને સવાલ કર્યો કે, જ્યારે પુરૂષોનું શોષણ થાય છે ત્યારે ફેમિનિસ્ટ કેમ ચુપ રહે છે? પ્રિયંકાએ આ પ્રશ્નનો સુંદર જવાબ આપ્યો હતો.

પહેલા પ્રિયંકાએ જાતિય સમાનતા અને નારીવાદ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. તેણે કહ્યું કે, “એમાં કોઇ શક નથી કે મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે મહિલાઓ અને પુરૂષોમાં અંતર છે. જ્યારે આપણે સમાન રીતે આગળ વધવાની વાત કરીએ છીએ ત્યારે માનસિક મજબૂતી પર પણ વાત કરીએ છીએ.

અમારા કહેવાનો મતલબ એવો નથી કે મહિલાઓ 200 પાઉન્ડની થઇને પુરૂષો સાથે લડવા માંગે છે, પરંતુ મહિલાઓ સકારાત્મક રીતે આગળ વધવા માગે છે. એક મહિલા ક્યારે શું કરવા માગે છે તે વિશે ક્યારેય તેને પ્રશ્ન ના પુછવો જોઇએ. મહિલાઓને આગળ વધવા માટે તેમને નોકરીનાં અવસરો આપવા જોઇએ. તેમને આગળ વધવામાં તેમનું શરીર અડચણરૂપ નહીં બને. હું માં પણ બની શકું છું અને સીઇઓ પણ બની શકું છું.”