તમિલ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતી બનેલી એક્ટ્રેસ પ્રિયંકાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેણે વલાસારાવક્કમ શહેરમાં આવેલ પોતાના ઘરમાં ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

પ્રિયંકા તમિલ ટીવી શો વામસમમાં જ્યોતિકાના પાત્ર માટે બહુ જ ફેમસ હતી. આ સીરિયલમાં તે બાહુબલી ફેમ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણનની સાથે નજર આવી હતી. પ્રિયંકાના ઘરમાં તેની લાશ પંખા સાથે લટકતી જોઈને સૌથી પહેલા તેની કામવાળી ડઘાઈ ગઈ હતી. આજે બુધવારે સવારે નોકરાની તેના ઘરે પહોંચી તો તેણે જોયું કે, પ્રિયંકાએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

પ્રિયંકાના સ્યુસાઈડનું કારણ ઘરેલુ કંકાસ હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. એક્ટ્રેસના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા, પણ તેને કોઈ સંતાન ન હતું. તો બીજી તરફ, અન્ય કારણો પણ તેના માટે જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ટીવી એક્ટ્રેસના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો અને સમગ્ર કેસની તપાસ શરૂ કરાઈ છે.