ઉરી આતંકી હુમલાનો જવાબ આપવા રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૉર રૂમ પહોંચ્યાં. અહીં પાકના મેપ અને રેત શીલ્પના મોડેલ સાથે પીએમ મોદીને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ સેનાના વૉરરૂમમાં હતાં અને મોડી રાત સુધી હાઈપ્રોફાઈલ બેઠક ચાલી હતી.

પીએમ મોદી 20 સપ્ટેમ્બરની મોડી રાત સુધી સાઉથ બ્લોકમાં હતા. અહીં જ વડાપ્રધાન કાર્યાલય છે અને તેની બાજુમાં આવેલ રક્ષા મંત્રાલયની ઈમારતમાં ‘સુપર સીક્રેટ રૂમ’ એટલે કે વૉર રૂમ આવેલ છે. અહીંથી દેશની સેના સંલગ્ન કામગીરી પર નજર રાખવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં આ વૉર રૂમ એટલે કે મિલેટ્રી ઓપરેશન નિર્દેશાલય યુદ્ધનો કંટ્રોલ રૂમ પણ હોય છે.

પીએમ મોદી સાથે આ વૉર રૂમમાં લગભગ બે કલાક સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખ, આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ, વાયુ સેના પ્રમુખ અરુપ રાહા અને નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા હાજર હતા. દેશના સૌથી તાકાતવર કંટ્રોલ રૂમમાં દેશની સૌથી તાકાતવર વ્યક્તિ ગણાતા પીએમ સામે એક મોટા ટેબલ પર કાયદેસર રીતે પાકિસ્તાનના મહત્વના તમામ ઠેકાણાના નક્શા રાખવામાં આવ્યાં. નક્શા પર દુશ્મનના ઠેકાણાના લોકેશન બતાવ્યા બાદ સેન્ડ મોડલ દ્વારા દુશ્મનના અદ્દલ ઠેકાણા રાખવામાં આવ્યાં. ત્રણેય સેનાના પ્રમુખોએ વારાફરતી પીએમને આ યુદ્ધની સ્થિતિમાં સેના કઈરીતે કાર્યવાહી કરશે તેની રૂપરેખા દર્શાવી હતી.