વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ફરી એકવાર કેશુભાઇ પટેલને ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને PM નરેન્દ્ર મોદી પણ ટ્રસ્ટી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદે કેશુભાઇ પટેલ વર્ષોથી છે. તેમને વધુ એક વખત ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરના સર્કીટ હાઉસમાં ટ્રસ્ટની યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2019ના અંત સમયમાં સોમનાથ મંદિરમાં દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તેને બહાલી આપવામાં આવી હતી. આ સમારોહનું યજમાન સોમનાથ મંદિર બનશે.

ટ્રસ્ટની બેઠકમાં મંદિરના 2017-18ના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. એ ઉપરાંત પાર્કિંગ ડોમેટ્રી ઉપરાંત 1400 જેટલા કળશ મૂકવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ બેઠકમાં સોમનાથ મહાદેવ મંદિરનો વિકાસ એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. ખૂટતા કામો પૂર્ણ કરવા ઉપરાંત યાત્રાળુઓની સુવિધા વધારવાના અંગેના મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે.