ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાને સીમા વર્તી રાજ્ય રાજસ્થાનની સરહદે પાકિસ્તાનની હદમાં ગતિવિધિઓ વધારી દીધી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુપ્ત અહેવાલોમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ખાસ કરીને રાજસ્થાનની સરહદ પર ગંગાનગરમાં પાકિસ્તાની રેન્જર્સ અને અન્ય ટ્રુપો ખડકી રહી છે. આ હિલચાલ તાજેતરમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનના અનેક વાહનો ભારતની સીમા તરફ આવતા પણ જોઈ શકાય છે.

આ સિવાય દેશની આખી પશ્રિમ સરહદ પર પાકિસ્તાની સીમા ચોકીઓ પર પાકિસ્તાનના રેન્જર્સની સાથે સાથે કેટલીક સંખ્યામાં પાકિસ્તાની સૈનિકોની ઉપસ્થિતિ હોવાની પણ સૂચના મળી છે. આ સ્થિતિને જોતા ભારતે દેશની તમામ સરહદોને સાબદી કરી દીધી છે હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતમાં વધતાં આક્રોશને લઈને પાકિસ્તાની સેનામાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે અને સરહદ પર વધેલી હલચલ આ વાતનું પરિણામ હોવાનું માનવામાં આવે છે.

એવું જણાવવામાં આવ્યું છે કે સીમા સુરક્ષા બળના વિશેષ સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સીમા પર મોકલવામાં આવ્યા છે અને તેમને કોઈ પણ અઈચ્છનિય સ્થિતિમાં સખ્તાઈથી નિપટવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સીમા પાર ચાલી રહેલી ગતિવિધિઓને જોતાં સીમા સુરક્ષાદળ 24 કલાક ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમને અતિઆધુનિક સંસાધનો અને ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા ચોકીદારી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીમા સુરક્ષા બળની મળેલી બેઠકમાં પણ દેશના સીમાડે રહેલી પરિસ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો.