પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને તેમાં કન્વિનર હાર્દિક પટેલ માટે રોજ દિવસ ઉગે અને એક નવી મુશ્કેલી આવે છે. અગાઉ આંદોલન સાથે જોડાયેલાં અનેક લોકો દ્વારા હાર્દિકનું ચિરહરણ થયાં પછી આજે સરદાર પટેલ ગૃપ (એસ.પી.જી.) ના સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ વરૃણ લાખાણીએ પણ હાર્દિકને ખુલ્લો પત્ર લખી નવો બોમ્બ વિસ્ફોટ કર્યો છે. જેમાં લાખાણીએ હાર્દિકને સંબોધન જ પાટીદાર હાર્દિક તરીકે કર્યું છે.

વરૃણ લાખાણી દ્વારા લખાયેલાં આ લેટરમાં અનેક સ્ફોટક વિગતો છે. વરૃણે હાર્દિકને સંબોધીને લખ્યુ છે કે, મને એવી આશા હતી કે તું જેલમાંથી છૂટશે ત્યારે આંદોલન વધુ તેજ અને આક્રમક બનશે. પરંતુ આ બે મહિના દરમિયાન વાતાવરણ સુધરવાને બદલે વધુ બગડયું છે.

એક સમયે જે લોકો તારી સાથે હતા અને દરેક નાની-મોટી વિગતો જાણતા, એ જ લોકો આજે ખુલ્લેઆમ તારો વિરોધ કરી રહ્યાં છે, આંદોલનના નામે લાખો-કરોડોનાં કૌભાંડની વાતો કરી રહ્યાં છે. તેનાં કારણે આંદોલનને સપોર્ટ કરતા યુવકો, વડીલો અને મહિલાઓનું મનોબળ તુટી રહ્યુ છે. અનામતનો મુદો ભૂલાતો હોય તેવું લાગે છે. જેનાં કારણે સમાજની એકતા પર પણ ખતરો ઉભો થયો છે.

એસ.પી.જી.ના વરૃણ લાખાણીએ લાલજી પટેલ સાથેનાં ખટરાગ માટે પણ હાર્દિકને જવાબદાર ઠેરવ્યો છે. અને લખ્યું છે કે, લાલજીભાઈ પાસેથી તું સમાજ સેવા શીખ્યો અને આજે એ જ ગુરુથી તું દૂર થઈ ગયો છે.