રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સરસંચાલક મોહન ભાગવતે સમાજની એકતા પર ભાર મૂકતા કહ્યું કે સંઘ કોઇ રિમોટ કંટ્રોલ નથી. તેનું લક્ષ્ય મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તેના મૂળમાં હિન્દુત્વ જ હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને ધર્મની સમજ આપવા જ ભારતનો જન્મ થયો છે.

વડોદરામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઉપક્રમે એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમણે વડોદરામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના આરએસએસ પ્રચારકોની ચાર દિવસની બેઠકના સમાપન કાર્યક્રમમાં આ વાત કહી. ભાગવતે કહ્યું હતું કે સમાજમાં હિન્દુત્વ વિચારધારાના આધાર પર યોગ્ય ફેરફાર કરવાની જરૂર છે.

આરએસએસ સમાજમાં યોગ્ય ફેરફાર કરવાનો પ્રયાસ કરશે, જેથી કરીને એક યોગ્ય નેતાના હાથોમાં રાષ્ટ્ર મજબૂત બની શકે. તેમણે કોઇ પણનું નામ લીધું નહોતું. સમાજમાં સંઘને લઇને વિભિન્ન કારણોસર ખોટી માન્યાતાઓ અને અટકળો ફેલાયેલી હતી તેનો ભાગવતે આડકતરી રીતે છેદ ઉડાડી દીધો હતો. ભાગવતે કહ્યું કે સંઘ કોઇ પર રિમોટ કંટ્રોલ કરવામાં માનતું નથી. કારણ કે તે સ્વયં શિસ્તબદ્ધ હોય છે.