રક્ષામંત્રી નિર્મલા સિતારમને આતંકવાદ પર નિશાન તાક્યું હતું અને જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘અમે આતંકવાદ સહન કરીશું નહીં. તેને દૂર કરવા માટે પૂરા પ્રયત્નો કરીશું. અંતે આખા દેશમાંથી આતંકવાદનો સફાયો થઈ જશે’.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓ શામેલ હોવાના કબૂલનામા પર સિતારમને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલો આ ખુલાસો ખૂબ ગંભીર છે’.

સિતારમને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતી વખતે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પોતાની તમામ સંપત્તિ વિશેનો ખુલાસો કર્યો નથી. શું રાહુલ ગાંધી આ વિશે કોઈ ટિપ્પણી કે કોઈ કાર્યવાહી કરશે? તેમણે કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની જેમ પી ચિદમ્બરમની પણ વિદેશમાં સંપત્તિ છે.