કૂવાડવા નજીક આવેલા હિરાસર ગામે આકાર લઈ રહેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બધા ક્લીયરન્સ મળી ચૂક્યા છે અને હવે ગમે ત્યારે ખાતમુહૂર્તની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એરપોર્ટની કેટલીક વિશેષતાઓ અંગે વિગતો પ્રાપ્ત થાય છે.

ત્રણ જિલ્લાના સિમાડે આકાર લઈ રહેલું આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. આગામી દિવસોમાં દેશના મોટા એરપોર્ટમાં રાજકોટના હિરાસર એરપોર્ટનું પણ નામ ઉમેરાઈ જશે. સીધી આંતરરાષ્ટ્રીય સેવાઓ સૌરાષ્ટ્રના લોકોને મળી રહે તે માટે મોટા વિમાનો ઉતરી શકે તેવો રન-વે બનાવવામાં આવી રહ્યો છે.

નોર્થ વેસ્ટ સાઈડના આ રન-વે માટે હવામાનના વર્ષોના ડેટાનું સુક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની જમીનનો એરપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હિરાસર એરપોર્ટમાં એક તરફ રાજકોટ, બીજી બાજૂ સુરેન્દ્રનગર અને ત્રીજી તરફ મોરબી જિલ્લાની સરહદો આવશે.

બાજુમાંથી રાજકોટ- અમદાવાદનો નેશનલ ધોરીમાર્ગ પસાર થઈ રહ્યો છે. ચાર માર્ગી આ રસ્તાને સિક્સ લેન બનાવવા માટે સરકારે જાહેરાત કરી છે અને કામગીરી પણ આગળ ઝડપથી ધપાવવામાં આવી રહી છે.