છેલ્લા ઘણા સમયથી કોર્ટ કેસમાં ફસાયેલા નવાઝ શરીફે બળાપો કાઢવાનું શરૂ કર્યું છે. સ્થાનિક ન્યૂઝપેપર ધ ડોન સાથે વાતચીતમાં નવાઝ શરીફે જણાવ્યું કે શું આપણે આતંકીઓને સીમા પાર જવા દેવા જોઈએ અને મુંબઈમાં 150 લોકોને મારવા દેવા જોઈએ? શરીફને પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 28 જુલાઈએ દોષી કરાર કર્યા હતા.

ત્યારબાદ તેમને પોતાનું પદ છોડવું પડ્યું હતું. પાકિસ્તાન આ વાતને નકારતું રહ્યું છે કે 2008 મુંબઈ હુમલામાં તેમની કોઈ ભૂમિકા છે. ભારત દ્વારા ડોઝિયર અને મજબૂત પુરાવા આપ્યા બાદ પણ ત્યાંની સરકારે કોઈ યોગ્ય પગલા નથી ઉઠાવ્યા.

ડોન ન્યૂઝ પેપર સાથેના ઇન્ટરવ્યૂમાં નવાજ શરીફે સ્વીકાર્યું કે, પાકિસ્તાનમાં હજુ પણ આતંકી સંગઠન સક્રિય છે. શું આપણે તેમને સીમા પાર કરી મુંબઈમાં ઘૂસી 150 લોકોને મારવાનો આદેશ આપી શકીએ છીએ? શું મને આ વાતનો કોઈ જવાબ આપશે? આપણે તો કેસ પણ સરખી રીતે નથી ચાલવા દેતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 26/11ના મુંબઈ હુમલાની રજૂઆત કરી ચૂકેલા મુખ્ય વકીલ ચૌધરી અઝહરને હટાવી દીધા હતા. નવાજે એમ પણ કહ્યું કે, જો તમે કોઈ દેશ ચલાવી રહ્યા છો તો તેની જ સાથે બે કે ત્રણ સમાંતર સરકારો ન ચાલી શકે. તેને બંધ કરવી પડશે. તમે બંધારણીય રીતે માત્ર એક જ સરકાર ચલાવી શકો છો.