ખાદી ભારતની ઓળખ રહી છે અને ખાદીનો એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. આઝાદી દરમિયાન લોકોએ ખાદી અપનાવીને અંગ્રેજો વિરૂદ્ધ ઈંકલાબ અને આઝાદીની ચળવળ ચલાવી હતી. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ખાદી અપનાવવાનું અહ્વાન કર્યુ હતું.

ખાદી ગ્રામોદ્યોગ દર વર્ષે એક કેલેંડર બહાર પાડે છે. આ વર્ષે પણ 2017નું કેલેંડર બહાર પાડ્યુ છે. પણ આ વખતે આ કેલેંડર ચર્ચામાં છે. કેમકે તેના પરથી ગાંધીની તસવીર ગાયબ છે. અને ગાંધીજીની જગ્યાએ પીએમ મોદીની તસવીર છે. ખાદી ગ્રામોદ્યોગના કેલેંડરનો ઈતિહાસ કહે છે કે અત્યાર સુધી આ કેલેંડરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર રહેતી હતી.

જેમાં તે ચરખો ચલાવતા અને સૂતર કાંતતા દેખાતા હતા. પણ આ વખતે ચરખા પર પીએમ મોદી છે. અને આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ કહ્યું છે આ કોઈ નવી વાત નથી. કેમકે આવું પહેલા પણ થયું છે. તેમણે કહ્યું કે મોદી ખાદી ગ્રામોદ્યોગના બ્રાંડ એમ્બેસેડર છે. અને ખાદી તરફ તેમણે આખા વિશ્વનું ધ્યાન તેમણે ખેંચ્યુ છે. આ વાત હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.