મોબઈલ નંબર પોર્ટેબિલિટી કરાવવા ઈચ્છતા લોકોને માર્ચ 2019 પછી હાલાકી ભોગવવી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોર્ટેબિલિટીનું કામ કરતી બે કંપનીઓને તાજેતરમાં ફીમાં 80 ટકા જેટલો ઘટાડો કરાતાં હવે કામ કરવામાં રસ નથી.

આ અંગે તેમણે સરકારને પણ જાણ કરી છે. આ કંપનીઓનું કહેવું છે કે અત્યારસુધી નંબર પોર્ટેબિલિટી માટે ગ્રાહક દીઠ 19 રૂપિયા મળતા હતા. જ્યારે હવે તેને ઘટાડીને 4 રૂપિયા કરી દેવાયા છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી નહિં પરંતું જે તે કંપની કે જેની સર્વિસ ગ્રાહક ચાલુ કરાવે તેની પાસેથી વસુલવામાં આવે છે. ફીમાં ધરખમ ઘટાડાથી કંપનીઓને ખોટ જઈ રહી છે. તે હવે પોતાનું કામ ચાલું રાખવાના પક્ષમાં નથી. 31 માર્ચ 2019ના રોજ તેમનું લાઈસન્સ પૂરું થાય છે તે પછી તે રિન્યૂ કરાવવામાં રસ ધરાવતા નથી.

દક્ષિણ તેમજ પૂર્વ ભારતમાં પોર્ટેબિલિટીનું કામ સંભાળતી MNP ઈન્ટરકનેક્શનનું કહેવું છે કે, તે પોતાનું લાઈસન્સ સરેન્ડર કરી દેશે, જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સર્વિસ આપતી સિનિવર્સ ટેક્નોલોજીસનું કહેવું છે કે, સરકારે ચાર્જ ઘટાડી દેતા તેને ખોટ જઈ રહી છે. બંને કંપનીઓ અત્યાર સુધી પોર્ટેબિલિટીની 37 કરોડ રિક્વેસ્ટ હેન્ડલ કરી ચૂકી છે.