બુધેલના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીએ જીતુ વાઘાણી સામે ગૌચરની જમીન પચાવવા દમન ગૂજાર્યાના મામલે જંગ છેડયો છે. જેમાં રાજ્યભરના કારડીયા રાજપૂત સમાજનો ટેકો મળતા આ મામલો રાજ્યભરમાં ચકચારી બની ગયો છે.

દરમિયાન બુધેલ ગામે જીતુ વાઘાણીએ ગામમાં પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવાયા હતા. આ બેનરો ઉતારવા જતા ગઈકાલે ગુરૂવારે વરતેજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે હંગામો થયો હતો અને આજે શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીનો સ્ટાફ બેનરો ઉતારવા પહોંચતા ગામનું ટોળું ભેગુ થઈ જતાં ડીવાય.એસ.પી. મનીશ ઠાકર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યાં આજે પૂર્વ સરપંચ દાનસંગ મોરી સહિતના ગ્રામજનોના ટોળા અને ડીવાય.એસ.પી. ઠાકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં દેકારો મચી ગયો હતો.

જ્યારે આ ચકચારી ઘટના અંગે બુધેલના સરપંચ દાનસંગ મોરીએ જણાવ્યું હતુ કે, આ બેનરમાં કોઈ પક્ષ કે ચિન્હનો ઉલ્લેખ કરાયો નથી. જેથી આચારસંહિતા ભંગ થતી નથી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, જીતુ વાઘાણીના ઈશારે પોલીસ અધિકારીએ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને બેનરો તેમજ પંચ રોજકામના કાગળો ઝૂંટવીને ચાલ્યા ગયા હતા.