ઓનલાઇન રિટેલ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી મોટા અમીર બન્યાં છે. બ્લૂમબર્ગની યાદી અનુસાર, સોમવારે બેજોસની કુલ સંપત્તિ ૧૫૦ અબજ ડોલર (લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા) ને પાર પહોંચી હતી.

જે દુનિયાના બીજા સૌથી મોટા અમીર માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિ કરતાં લગભગ ૫૫ અબજ ડોલર કરતાં વધારે હતી. કંપનીના સૌથી મોટા શેરધારક હોવાને નાતે બેજોસને ઝડપથી ફાયદો મળ્યો અને તેમના નેટવર્થમાં તોતિંગ ઉછાળો આવ્યો. જેફ બેજોસ એમેઝોનના ૧૬ ટકા શેરધારક છે.

ફોર્બ્સે ૧૯૮૨થી દુનિયાના અમીરોનું રેન્કિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૯માં બિલ ગેટ્સ ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી મોટા અમીર બન્યાં હતા. ડોલરના હાલના સ્તરના હિસાબે બિલ ગેટ્સની સંપત્તિ ૧૪૯ અબજ ડોલર થવા જાય છે જ્યારે બેજોસની સંપત્તિ ૧૫૦ અબજ ડોલર છે. આ રીતે બેજોસ ૩૬ વર્ષમાં આધુનિક ઇતિહાસના સૌથી મોટા અમીર બનતા ગયા.