મુંબઇ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઇદને મોટી રાહત મળી છે. અહીંના પંજાબ ન્યાયિક સમીક્ષા બોર્ડે આતંકી હાફિઝ સઇદને મુક્ત કરવાનો આદેશ આપી દીધો છે. ત્યારબાદ હવે આતંકનો આ ગુરુ ખુલ્લી હવામાં શ્વાસ લેશે.

કોર્ટ સમીક્ષા બોર્ડના આદેશ બાદ ગુરુવારે હાફિઝ સઇદને મુક્ત કરવામાં આવી શકે છે. ગત સપ્તાહે આ મુદ્દા પર સુનવણી દરમિયાન પ્રાંતીય સરકારે હાફિઝ સઇદની નજરકેદને 3 મહિના વધારવાની માંગણી કરી હતી. પરંતુ બોર્ડે ફગાવી દીધી. બોર્ડે કહ્યું કે, ‘જો જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઇદ કોઇ બીજા કેસમાં વંછિત નથી તો એને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે.’ ગત મહિને બોર્ડે સઇદની ધરપકડ 30 દિવસ માટે વધારવાની પરવાનગી આપી હતી અને એ સમય આ સપ્તાહે પૂરી થઇ જશે.

હાફિઝ સઇદને પંજાબના ગૃહ વિભાગ તરફથી 24 ઓક્ટોબરે આપવામાં આવેલા આદેશને પડકાર ફેંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નજરકેદ જન સુરક્ષા કાયદા હેઠળ એક મહિના માટે વધારી દેવામાં આવી છે.