તલાટીની પરીક્ષા બાદ 16મી ઓક્ટોબર, રવિવારના રોજ ગુજરાત ગૌણસેવા પસંદગી સમિતિની પરીક્ષા ટાણે ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ અપાયો હતો. પરીક્ષાના સમયે બપોરે 12 થી 2 વાગ્યા સુધી અમદાવાદ જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવાશે તેવી જાહેરાત કરાઈ હતી.

આ જાહેરાત બાદ આપે આક્ષેપ કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતની વીઝિટે આવનાર હોઈ રાજ્ય સરકારે ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ રાત્રે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખુલાસો કર્યો હતો કે, 16 ઓક્ટો.ના રોજ રાજ્યમાં ઈન્ટરનેટ બંધ નહી રહે.

પાટીદાર આંદોલન સમયે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી હતી. આથી હવે સરકારી જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા સમયે પણ ઇન્ટરનેટ બંધ રાખવાનો તઘલખી નિર્ણય સરકાર લઈ રહી છે. હવે, સરકારી ભરતીની પરીક્ષા ટાણે પણ રાજ્ય સરકાર નેટ સેવા બંધ રાખવા લાગી છે. તલાટીની પરીક્ષા બાદ રવિવારે ગુજરાત ગૌણસેવા પસંદગી સમિતિની પરીક્ષા ટાણે પણ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ છૂટ્યો હતો.

ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈન્ટરનેટ બંધ નહિ કરવાનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ગૌણસેવા પસંદગી સમિતિની પરીક્ષાઓ મુદ્દે ઈન્ટરનેટ બંધ રહેવાનું હતુ, પરંતુ હવે 16મીએ રાજ્યભરમાં ઈન્ટરનેટ બંધ નહિ કરાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે ઈન્ટરનેટ સેવાઓ રાજ્યમાં ચાલુ રહેશે.