વિશ્વ સ્તરે કામ કરતી આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે આજે, દુનિયા ફરતે ૩,૦૦૦ લાખ લોકો આ બીમારીનો શિકાર છે, પણ પોતાનું દર્દ જણાવતા, સારવાર લેતા ગભરાય છે. ક્યાંક લોકો મારી ગણતરી ગાંડાઓમાં ન કરે, એવું વિચારી તેઓ અંદરો અંદર કોરી ખાતી આ બીમારીને દૂર કરવાનો વિચાર પણ કરતા નથી.

અમુક તો જાણે એને બસ ઉદાસીનું રૂપ આપી બહુ ગણકારતા નથી. બીજા અમુક એવાય ખરા જે એને સ્વભાવિક બદલાણ માની એ વિશે ચર્ચાવિચારણામાં સમય વેડફવામાં માનતા નથી. ભારતની જ વાત કરીએ તો એક જાણીતા તબીબ પ્રમાણે દર વર્ષે ૧૦૦ લાખથી વધુ લોકો ડિપ્રેશનનાં લક્ષણોથી પિડાતા હોવાં છતાં સારવાર લેતા નથી. તેઓ માને છે કે સમયજતાં બધુ આપોઆપ બરાબર થઈ જશે. શારીરિક સ્વાસ્થ્ય જ જરૂરી છે, એવી માન્યતાને લીધે માનસિક સ્વાસ્થ્ય માટે હંમેશાં આંખ આડા કાન કરવામાં આવે છે.

પરિણામે પિડાતી વ્યક્તિ બાપડી ઉદાસીનતા, વ્યાકુળતા, ચિંતા, માયુસી, નિરાશા અને ચિડચિડ્યાપણાના વમળમાં ધસતી જાય. સાયકેટ્રિસ્ટનો સંપર્ક સાધવો એટલે પાગલખાનામાં નામ નોંધાવવા બરાબર ગણી વધુ ને વધુ મૂંઝવાતી જાય, ન રહેવાય ન સહેવાય. જો કદાચ તબીબને મળે તોય મન ઢાલવવું આસાન નથી એમ લાગે છે. ખાસ, તો ભારતમાં એવું વધારે બને છે. આખરે, છેક નકામાપણાની લાગણી તેને જીવન ટુંકાવવા તરફ લઈ જાય.