સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં જ ૨૦ નવજાત શિશુના મોત થતાં તંત્રની સામે ચોતરફ ફીટકારની લાગણી ઊભી થઇ છે. તંત્રએ અપમૃત્યુની વાતનો સ્વીકાર કરવાને બદલે રીતસર નફ્ફટાઇ દર્શાવી હતી. શનિવારે એક જ દિવસમાં નવ નવજાત શિશુઓ મોતને ભેટયા હતા જ્યારે ૪૮ કલાકમાં ૧૮ બાળકોના અપમૃત્યુ થયા હતા જ્યારે આજે રવિવારે વધુ બે નવજાત બાળકો મોતને ભેટયા હતા.

આ બાળકોના અપમૃત્યુને પગલે રાજ્ય સરકારે તપાસ કમિટી નીમી દીધી છે. તપાસ કમિટીએ સિવિલ હોસ્પિટલના નીયોનેટલ વોર્ડની મુલાકાત લઈ માત્ર ૩૦ મીનિટમાં તપાસ સમેટી લીધી હતી. જે તેની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. હવે અગામી ૨૪ કલાકમાં તપાસ રિપોર્ટ આવે બાદ બેદરકારી હશે તો કડક પગલાં લેવાની સરકારે ખાતરી આપી છે.

નવજાત શિશુના અપમૃત્યુ અંગે લુલો બચાવ કરતાં સુપ્રિટેન્ડેન્ટ ડો.પ્રભાકરે જણાવ્યુ હતું કે, સિવિલમાં દૈનિક ત્રણ બાળકોના મૃત્યુ થતાં હોય છે. દિવાળીના તહેવારને લીધે એક દિવસમાં નવ બાળકોના મોત નિપજયા હતા. સરકારે ત્રણ તબીબોની તપાસ ટીમ મોકલી છે. જેમને તપાસ કરીને રવિવારે સાંજે સરકારને રિપોર્ટ આપશે.