પાકિસ્તાનમાં ઇમરાન ખાનની નવી સરકારે પ્રમુખ, વડાપ્રધાન સહિત ટોચના અધિકારીઓ અને નેતાઓની ફર્સ્ટ ક્લાસ હવાઇયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે કરકસરના પગલાના ભાગરૂપે પીએમ ઇમરાન ખાનના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

ઇમરાનની સરકારે રાજ્યના ભંડોળના ઉપયોગના અધિકારનો પણ અંત લાવી દીધો છે. ફવાદ ચૌધરીએ કહ્યું છે કે બેઠકમાં નક્કી કરાયું છે કે પ્રમુખ, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ, સેનેટ ચેરમેન, સ્પીકર, નેશનલ એસેમ્બલી અને પ્રાંતોના મુખ્યમંત્રીઓ હવેથી ક્લબ/બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરશે. એક પ્રશ્નનો જવાબ આપતાં ચૌધરીએ કહ્યું હતું કે સેના વડાએ ફર્સ્ટ ક્લાસ હવાઇ યાત્રાની મંજૂરી નહતી અને તેઓ કાયમ બિઝનેસ ક્લાસનો ઉપયોગ કરે છે. પ્રમુખ, વડાપ્રધાન અને અન્ય અધિકારીઓ દ્વારા સ્ટેટ ફંડના વિવેકાધીન ફાળવણીના અધિકારને પણ ખત્મ કરી દેવાયો છે. ચૌધરીએ દાવો કર્યો છે કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આ વર્ષે વિવેકાધીન ફાળ‌વણીના અધિકારનો ઉપયોગ કરીને ૫૧ અબજ ડોલર ખર્ચી નાખ્યા છે.

પીએમ ઇમરાન ખાને વિદેશી અથવા ઘરેલુ મુલાકાતોમાં સ્પેશિયલ વિમાનના ઉપયોગને અટકાવવા અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ૨૫ જુલાઇએ પાકિસ્તાનની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ ઇમરાન ખાને એલાન કર્યું હતું કે તેઓ વૈભવી પીએમ હાઉસમાં નહિ રહે. તેમણે જ્યાં અગાઉ પીએમના મિલિટરી સચિવ રહેતા હતા ત્યાં રહેવાનો નિર્ણય લીધો છે. ઇમરાને માત્ર બે વાહન અને બે નોકર રાખવાનું પણ એલાન કર્યું હતું.