માંડવીના હરીયાળ ગામની યાર્ન બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ છે. આજે વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ ફેક્ટરીના તમામ કર્મચારીઓ જીવ બચાવી ફેક્ટરી બહાર દોડી આવતા કોઇ જાનહાનિ નોંધાઈ નથી.

જોકે, આગ ફેક્ટરીના એક પછી એક ચાર પ્લાન્ટમાં પ્રસરી જતાં આગની જ્વાળા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઇ રહી હતી. સુરત સહિત અનેક વિસ્તારના 15 જેટલા ફાયર ફાઇટરો સાનીકા ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી ભીષણ હતી કે દૂર-દૂર સુધી આગના ગગનચુંબી ગોળા દેખાઇ રહ્યા છે. આકાશમાં પણ કાળા વાદળો બની ગયા હતા. આગ ફેક્ટરીના એક પ્લાન્ટમાં લાગ્યા બાદ અન્ય ત્રણેય પ્લાન્ટમાં પ્રસરી ગઇ હતી. જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાનીકા ઇન્ડસ્ટ્રીસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.

પોલીસ અને કલેક્ટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. સાનીકા ઇન્ડસ્ટ્રીસ સુરતના ઉધોગપતિ અને પીપોદરા માંગરોલ તાલુકા ઇન્ડસ્ટ્રીસના ઉપ પ્રમુખ સુમિત અગ્રવાલની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું.