રાજ્યમાં લાંબો હિટવેવ ચાલુ છે તેમાં આજનો દિવસ અસહ્ય ગરમ રહ્યો હતો. રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 44.3 ડિગ્રી નોંધાતા ઓરેન્જ એલર્ટના આરે આવી ગયું હતું.

આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. ખાનગી હવામાન વેબસાઈટના દાવા પ્રમાણે આજે અમદાવાદમાં અલ્ટ્રાવાયોલેટ ઈન્ડેક્સ 9 જેટલો ઉંચો રહ્યો હતો. તેના કારણે લોકોએ રીતસર ચામડી દાઝી ગયાનો અનુભવ કર્યો હતો. રાજ્યના 13 શહેરોમાં આજે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ગરમીથી એકનું મોત થયું હતું.

ઉનાળો એટલો આકરો છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને આંબી જાય છે. એક વાગતા સુધીમાં 40 ડિગ્રીને વળોટી જાય છે. હવામાન ખાતાના નોંધ્યા પ્રમાણે શહેરમાં આજે 44.3 ડિગ્રી નોંધાઈ હતી. પરંતુ વાસ્તમાં લોકોએ તેના કરતાં પણ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. બપોરે માર્ગો સુમસામ બન્યા હતા. વાહનોની ગતિ ધીમી બની ગઈ હતી. ગરમીના કારણે પેટમાં દુઃખાવા, માથામાં દુઃખાવા, ઉલટી, ઉબકા, મૂર્ચ્છા આવવાના બનાવમાં વધારો થયો હતો.