હરિયાણાના બરવાલા સ્થિત સતલોક આશ્રમના સંચાલક રામપાલને કોર્ટમાંથી મોટી રાહત આપી છે. હિસાર કોર્ટે રામપાલને બે ક્રિમિનલ કેસ (426, 427)માં નિર્દોષ જાહેર કર્યા છે. આ બંને કેસમા રામપાલ સહિત 11 લોકો આરોપી હતાં.

રામપાલ વિરુદ્ધ સરકારી કાર્યોમાં વિધ્નો નાખવાની અને આશ્રમની અંદર મહિલાઓને બંધક બનાવીને રાખવાના આરોપ હતા. આ બંને કેસ 2014ના હતા. રામપાલ વિરુદ્ધ દેશદ્રોહ સહિત અડધો ડઝન કેસો છે અને તેઓ હિસારની સેન્ટ્રલ જેલ-2માં બંધ છે. બે કેસમાંથી દોષમુક્ત જાહેર થવા છતાં રામપાલ હજી જેલમાં જ રહેશે. રામપાલ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ અને હત્યાના કેસ ચાલતા રહેશે.

બાબા રામપાલના વકીલ એ પી સિંહે પત્રકારોને જણાવ્યું કે કોર્ટે બાબાને નિર્દોષ છોડી મૂક્યા છે. તેમણે છૂટકારાને સત્યની જીત ગણાવી હતી. આ ચુકાદો 24 ઓગસ્ટે જ આવવાનો હતો પરંતુ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામરહીમના મામલાને જોતા સુરક્ષા કારણોસર તેને ટાળી દેવાયો હતો.