૫૦૦ અને ૧,૦૦૦ની નોટ પર પ્રતિબંધ બાદ સરકાર પ્લાસ્ટિકમનીને પ્રોત્સાહન આપવા તમામ વિકલ્પો પર કામ કરી રહી છે, તેથી હવે બેન્કમાં ખાતું નહીં ધરાવનાર લોકોને પણ ડેબિટકાર્ડ ઇશ્યૂ કરાશે. આ સેવાને પ્રીરિચાર્જ ડેબિટકાર્ડ સેવાનું નામ અપાયું છે. આ કાર્ડમાં વ્યક્તિ એક નિશ્ચિત મર્યાદામાં નાણાં જમા કરાવી શકશે. વ્યક્તિ તેનો ઉપયોગ પ્લાસ્ટિકમની તરીકે કરી શકશે.

કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા તમામ બેન્કોને આદેશ અપાયો છે કે, જે લોકોનું બેન્કમાં ખાતું નથી તેમને આધારકાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્રને આધારે પ્રીરિચાર્જ ડેબિટકાર્ડ ઇશ્યૂ કરાય, જો વ્યક્તિના પરિવારમાં કોઈ વ્યક્તિ બેન્કમાં ખાતું ધરાવતી હોય તો તે ખાતાને આ ડેબિટકાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવે. આવું કાર્ડ મેળવવા ઇચ્છતી વ્યક્તિએ અરજી કરવાની રહેશે, જેમાં એક મર્યાદા સુધીની રકમ નક્કી કરવામાં આવશે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિના પિતા, માતા અથવા પરિવારના અન્ય સભ્યનાં નામે બેન્કમાં ખાતું હોય તો તેનું કાર્ડ આ ખાતાં સાથે લિન્ક કરી દેવાશે. જો કોઈની પાસે બેન્કનું ખાતું ન હોય તો માન્ય ઓળખપત્રના આધારે ડેબિટકાર્ડ અપાશે. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજના અંતર્ગત એક ખાતા પર મહત્તમ પાંચ ડેબિટકાર્ડ ઇશ્યૂ કરાશે. તે સાથે સગીરોને પણ કાર્ડ આપવાને મંજૂરી અપાઈ છે, જોકે કાર્ડને રિચાર્જ કરવાની મહત્તમ અથવા લઘુતમ મર્યાદા નક્કી કરાઈ નથી.