આશરે 2 દાયકાઓથી ઉંદરોને પકડી પાડીને ખેડૂતોનો પાક બચાવતા મણિનો આભાર માનવા ઉધગમંડલમ (તમિલનાડુ)ના ખેડૂતોએ તેમને ઉંદરના આકૃતિની કેક ભેટ કરી. અદા સોલઇ ગામના મણિને 20 ખેતરોના માલિક એક હોટેલ લઈને ગયા જ્યાં તેમણે એક ઉંદરના આકારની કેક કાપી અને પોતાનો 61મો જન્મદિવસ ઉજવ્યો.

ખેડૂતો પ્રમાણે, આ તેમની મણિ પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાની એક રીત છે કારણ કે છેલ્લા 2 દાયકાઓમાં મણિ તેમના ખેતરોમાં ઉંદર પકડે છે અને તેમને લાખો રૂપિયાના આર્થિક નુકસાનથી બચાવતા રહ્યાં છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે ઉંદરો બટાકા, કોબીજ, ગાજર જેવા ઘણાં પાકોના 30% ભાગને ચટ કરી જાય છે.

દરેક મોસમમાં ખેડૂત સારો પાક લેવા માટે લગભગ એક લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે છે અને ઉંદરોના કારણે રૂપિયા 30 હજારથી લઈને 35 હજાર સુધીનું નુકસાન થતું હોય છે. પરંતુ મણિના કારણે આ નુકસાન થતું અટકી ગયું છે. ત્રીજા ધોરણથી જ અભ્યાસ છોડી દેનાર મણિએ જ્યારે 25 વર્ષ પહેલા ઉંદર પકડવાના શરૂ કર્યા ત્યારે તેમને એક ઉંદર પકડવાના 25 પૈસા મળતાં હતાં. તેમની સેવાની માગ વધતી ગઈ અને આજે તે વળતર વધીને 80 રૂપિયા થઇ ગયું છે.

રસપ્રદ વાત તો એ છે કે મણિ ઉંદરને પકડીને ખેતરના માલિકને બતાવે છે અને ત્યારબાદ જ તે તેમનું વળતર સ્વીકારે છે. તેમનો દાવો છે આખાયે વિસ્તારમાં તેઓ એકમાત્ર છે જેઓ ઉંદર પકડવાનું કામ કરે છે અને અત્યાર સુધી આશરે 2 લાખ ઉંદર પકડી ચૂક્યા છે. તેઓ દરરોજ આશરે 10થી 30 ઉંદર પકડી લે છે જેને માટીમાં દાટી દેવાય છે અથવા તો કાગડાઓ પાસે મૂકી દેવાય છે.