રાજ્યની ભાજપ સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને અપાતી સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્યના સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન આત્મારામ પરમારના હસ્તે નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગ વ્યક્તિઓને અપાતા પેન્શનની યોજના માટે ડાયરેક્ટ બિનીફીશીયરી ટ્રાન્સફર યોજનાનો આરંભ કરાયો હતો.

હવેથી રાજ્યમાં એક પણ વ્યક્તિએ પોસ્ટબૅક ઓફિસમાં પોતાના પેન્શન માટે જવું નહિ પડે. આ યોજનાને લીધે લોકોના ખાતામાં સીધા રૂપિયા જમા થશે. બીપીએલ યાદીમાં સમાવિષ્ટ 60 થી 79 વર્ષના વ્યક્તિઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર 200-200 રૂપિયા એમ કુલ 400 રૂપિયા સહાય કરે છે. જ્યારે 80 વર્ષથી ઉપરની વ્યક્તિને કેન્દ્ર 500 જ્યારે રાજ્ય સરકાર 200 રૂપિયાની સહાય કરે છે.

દિવ્યાંગ વ્યક્તિઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર 300-300 એમ કુલ 600 રૂપિયાની સહાય કરે છે. અત્યાર સુધી રાજ્યમાં આવી મામૂલી સહાય માટે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે આ સ્કીમને લીધે સમસ્યાનો અંત આવશે. રાજ્યમાં 4 લાખ 77 હજાર નિરાધાર વૃદ્ધો અને 7 હજાર 161 દિવ્યાંગોને તેનો લાભ મળશે.