દેશના પાટનગર દિલ્હીમાં સરકારે Chinese ફટાકડાંના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી સરકાર આ માટે ટૂંક સમયમાં એક જાહેર પરિપત્ર બહાર પાડશે. આ ઉપરાંત પર્યાવરણ વિભાગના અધિકારીઓની સાથે સાથે બધા જ એસડીએમ અને એડીએમને ચાઇનીઝ ફટાકડાંના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર રોક લગાવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.

દિલ્હી સરકારના મંત્રી ઇમરાન હુસૈનની ગેરહાજરીમાં પર્યાવરણ વિભાગની જવાબદારી સંભાળી રહેલા મંત્રી કપિલ મિશ્રાએ આ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક કરીને ચાઇનીઝ ફટાકડાં ઉપર પ્રતિબંધ મુક્વામો નિર્ણય લીધો હતો.

તેઓએ જણાવ્યું હતુ કે આરોગ્ય અને પ્રદુષણ બંનેની નજરે ચાઇનીઝ ફટાકડાં નુકસાનકારક છે એટલે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દિવાળી પ્રદુષણમુક્ત બનાવવા માટે દરેક નાગરિકને અપીલ કરવામાં આવશે સાથે સાથે દરેક ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે કે તેઓ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ લોકોને પ્રદુષણમુક્ત દિવાળી ઉજવવા માટે જાગ્રત કરે.

ચાઇનીઝ ફટાકડાં આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. ચાઇનીઝ ફટાકડાંની માંગ સસ્‍તા હોવાથી વધુ હોય છે. જો કે ચાઇનીઝ ફટાકડાં બનાવવામાં પોટેશિયમ ક્‍લોરેટ્‍સનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણ ભારતમાં પ્રતિબંધિત હોવાથી અહી આસાનીથી મળી રહેતું નથી. પોટેશિયમ ક્‍લોરેટ્‍સમાંથી બનેલા ફટાકડાંને સાચવવા જોખમી હોય છે. આ ઉપરાંત તેનાથી ધ્‍વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન પણ થાય છે. ભારતમાં ચાઈનીઝ ફટાકડાં વિવિધ સ્‍થળો જેમકે નવી મુંબઈ, ટુટિકોરિન વગેરેથી આવે છે.