બોફોર્સ કૌભાંડ પછી તોપોની ખરીદી પર જામી ગયેલી ધૂળ હવે દૂર કરી દેવાઈ છે અને ભારત તથા અમેરિકાએ 145 એમ 777 હળવી હોવિત્ઝર તોપો માટો સોદો કર્યો છે. આ સોદા રૂ. 5 હજાર કરોડનો છે. ભારત ચીનને ચાવી જવા માટે આ અત્યાધુનિક તોપો ચીન સાથેની સીમાએ ગોઠવનાર છે.

કેન્દ્રમાં કોંગ્રેસ શાસન વખતે 1980માં બોફોર્સ કૌભાંડે માથું ઊચક્યું હતું. ત્યારપછી પ્રથમવાર જ તોપોની ખરીદી માટે ભારતે આ સોદો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા સાથે આ અંગેના કરાર માટે ભારતે બધી જ ઔપચારિતા પૂર્ણ કરી છે. આ માટે ભારતે સ્વીકૃતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના હળવી એવી આ 145 તોપની કિંમત રૂ. પાંચ હજાર કરોડ છે. કેબિનેટની સુરક્ષા અંગેની સમિતિએ તાજેતરમાં જ તેની પર મંજૂરીની મ્હોર મારી છે. જ્યારે ભારત-અમેરિકા મિલિટરી કો-ઓપરેશન ગ્રુપ (એમસીજી)ની બે દિવસની બેઠકના આરંભ વખતે આ સોદાને આખરીઓપ આપવામાં આવ્યો હતો.

વ્યૂહાત્મક અને પારસ્પરિક સ્તરે ઈન્ડિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને યુએસ પેસિફિક કમાન્ડ વચ્ચે સંરક્ષણ સહયોગ વેગવાન બનાવવા માટે ભારત-અમેરિકા એમસીજીની રચના કરાઈ છે. એમસીજીની બેઠકમાં અમેરિકાના કો-ચેરમેન લેફ. જનરલ ડેવિડ એચ. બર્ગર ભાગ લઈ રહ્યા છે.