બેન્કોના કૌભાંડી અમિત ભટનાગરની ઓડી કાર ચોરવાના મામલે એસઓજીએ 6 લોકોની ધરપકડ કરી લીધી છે. આ ચોર ટોળકીમાં એક ગુજરાત કોંગ્રેસના નેતાનો પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે, સીસીટીવી ફૂટેજના આધારે ચિનમ ગાંધીનો પુત્ર શ્રીકાંત પણ આ ચોરી કેસમાં સામેલ હોવાનું પુરવાર થયું હતું.

અમિત ભટનાગરના ન્યૂ અલકાપુરી રોડ સ્થિત બંગલામાં શનિવારે બપોરે ઇડીના અધિકારીઓના સ્વાંગમાં 2 શખ્સો સવા કરોડની ઔડી કાર ઉઠાવી ગયા હતાં. રૂા. 30 લાખની કિંમતની કાર ચોરીની ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે કાર રાજપીપળાથી બીનવારસી હાલતમાં મળી આવી હતી.

બેંકોના કૌભાંડમાં અમિત ભટનાગર, તેના પિતા અને ભાઇની ધરપકડ બાદ ઇડી, ઇન્કમટેક્સ સહિતના અધિકારીઓ તપાસ માટે આવતા હોવાથી બંને ડ્રાઇવરે તેમના નામે જ કાર ચોરી કરવાનું કાવતરુ ઘડ્યું હતું. નગીને તેના મિત્ર વેરીસીનો ઉર્ફે સોનુ રોબર્ટ કેરોનાનો સંપર્ક કર્યો હતો. તેણે ગાડી ઉઠાવી જવા ડ્રાઇવર પ્રકાશ નાયડુને કાર લેવા જવાના બહાને સાથે લીધો હતો. વેરીસીનો ઇડીના અધિકારી હોવાનો રૂઆબ છાંટી કાર ઇન્સ્પેકશન માટે આરટીઓમાં લઇ જવાની છે તેમ કહી બંને કાર લઇ ગયા હતાં.

વેરીસીનોનો મિત્ર સંજીવ ડાભી અને પૂર્વ કોર્પોરેટર ચિન્નમ ગાંધીનો પુત્ર શ્રીકાંત મિત્રો છે. તે જૂની કાર લે-વેચનો ધંધો કરતો હોઇ ચોરી કરેલી કાર લઇ શ્રીકાંત પાસે ગયા હતાં. જ્યાં કાર ચોરીની હોવાનું ધ્યાને આવી જતાં શ્રીકાંતે સવા કરોડની ઔડી રૂા. 2 લાખમાં ગીરવે મૂકવા કહ્યું હતું. જોકે, વેરીસીનોએ રૂા. 7 થી 8 લાખની માગણી કરી હતી. વાટાઘાટો દરમિયાન કાર ચોરીના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા તેમજ પોલીસ ફરિયાદની કાર્યવાહી થઇ હોવાની જાણ થતાં શ્રીકાંતે કાર રાજપીપળા મોકલી દેવાનું કહ્યું હતું. સાંજે કાર રાજપીપળા મૂકી આવ્યા બાદ બીજા દિવસે પોલીસને બીનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે કરસન રાઠવા, નગીન મકવાણા , શ્રીકાંત ચિન્નમ ગાંધી, વેરાસીનો કેરોના, પ્રકાશ નાઇડુ અને સંજીવ ડાભીની ધરપકડ કરી હતી.