શહેરની જાણીતી રાજગ્રીન ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા આગામી એક વર્ષમાં હિન્દુસ્તાનનો સૌપ્રથમ ઇન્ડોર થીમ પાર્ક સુરતમાં શરૂ થવાની જાહેરાત કરાઇ છે. દેશભરના સહેલાણીઓને સુરતમાં કાર્ટુન નેટવર્કના પાત્રો સાથે મોજ માણવાનો અવસર મળશે.

પર્વત પાટિયા સ્થિત અમેઝિયા વોટર પાર્કમાં જ આ પ્રોજેક્ટ બીજા તબક્કામાં સાકાર થવા જઇ રહ્યો છે. આ ઇન્ડોર થીમ પાર્કમાં આવનારી તમામ ૩૩ રાઇડ્સ ઇટલી અને જર્મનીથી વિશ્વસ્તરીય સ્ટાન્ડર્ડની હોવાનું જાહેર કરાયું છે. કાર્ટુન નેટવર્ક ઘરે ઘરે જાણીતું છે. બેન૧૦, ક્રીશ અને જોનીબ્રાવો જેવા કાર્ટુન કેરેકટર આગામી એક વર્ષમાં સુરત ખાતે લાઇવ થવા જઇ રહ્યાં છે. શહેરમાં મનોરંજન નગરી ઊભી કરનારા રાજગ્રીન ગ્રૂપ દ્વારા આગામી એક વર્ષમાં અમેઝીયા ખાતે કાર્ટુનની દુનિયાના જાણીતા પાત્રો સાથે દેશનો સૌપ્રથમ ઇન્ડોર થીમ પાર્ક શરૂ કરવા આજે જાહેરાત કરાઇ હતી.

આ પાર્ક મુલાકાતીઓ માટે અનોખું આકર્ષણ ઊભું કરશે એવું રાજગ્રીન ગ્રૂપના ડાયરેક્ટર સંજય મોવલીયાએ જણાવ્યું હતું. એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, ઇન્ડોર પાર્કમાં આઠ હજારથી વધુ લોકો એકસાથે મનોરંજન માણી શકશે. સવારે દસથી સાંજે પાંચ અને સાંજે છથી રાતે બાર દરમિયાન બે તબક્કામાં થીમ પાર્ક ચાલુ રહેશે. આ નવા આયોજન બાદ અમેઝિયા ખાતે ૩૦ થીમ આધારિત આકર્ષણો અને ૨૦ વોટર અનોખી વોટરસ્લાઇડ હશે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.