એક્ટર પ્રકાશ રાજ હંમેશા ફિલ્મો ઉપરાંત પોતાના નિવેદનો માટે સમાચારમાં રહે છે. તેમના નિશાન પર હવે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આવી ગયા છે. પ્રકાશ રાજે હવે કઠુઆ રેપ કેસ મામલે બોલિવુડ શહેનશાહને ઘેરી લીધા છે.

પ્રકાશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કઠુઆ મામલે અમિતાભ બચ્ચને બોલવું જોઈતું હતું. તેમની પાસે સારો અવાજ છે, પંરતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા. તેમના ન બોલવાને હું કાયરતા સમજુ છું.

પ્રકાશે આગળ કહ્યું કે, હું આ ઘટના પર તેમને બોલવાની અપીલ કરું છું, આ મારો હક છે. હું ઈચ્છતો હતો કે તેઓ કંઈક બોલે, પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. તેમને બોલવું પડશે. લોકોને તેમનું ઘર છોડવા માટે ધમકાવવામાં આવ્યા હતા. કલાકાર હોવાને નાતે હું સમજું છું કે, સમાજ પ્રતિ આપણી પણ જવાબદારી છે. જો કલાકાર જ કાયર થઈ જશે, તો સમાજ પણ કાયર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પ્રકાશ રાજ એ સમયે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે પીએમ મોદની વિરુદ્ધ બોલવા પર ફિલ્મો નથી મળી રહી તેવું કહ્યું હતું. પ્રકાશે છેલ્લા કેટલાક મહિનાઓથી મોદી સરકાર અને બીજેપીની રાજનીતિનો કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો.