ભારત દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે પીઓકેના કેટલાક સ્થાનિકોના હવાલે અહેવાલ આપ્યો છે કે, 29 સપ્ટેમ્બરની રાતે સ્થાનિકોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને વહેલી સવારથી જ પાકિસ્તાની આર્મી ટ્રકોમાં કેટલીક શબપેટીઓ લઈ અજાણ્યા સ્થળ તરફ લઈ ગઈ હતી.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નજરે જોનારા કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે બોર્ડરની પાસે જેહાદીઓને છુપાવવાના કેટલાક મકાનો આવેલા છે જે ખંડેરમાં બદલાઈ ગયા છે. તેમજ સર્જિકલ સ્ટાઈકના દિવસે મધરાત બાદ વિસ્તારમાં મોટા પાયે ગોળીબાર સાંભળવામાં આવ્યો હતો. સ્થાનિકોના આ દાવાના કારણે ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને પુષ્ટી મળી છે. જ્યારે પાકિસ્તાન અને તેના દાવામાં માનનારા લોકોની પોલ ખુલી છે.

જોકે અખબારના પ્રતિનિધિ સાથે વાત દરમિયાન સ્થાનિકે જણાવ્યું હતું કે ભારત દ્વારા આતંકીઓના ખાતમાનો જે આંકડો આપવામાં છે હકિકતમાં તે ઓછો હોઈ શકે છે. કેમ કે, પહેલા જ કેટલાક આતંકીઓની ચહલપહલ આ વિસ્તારમાં જોવામાં હતી જેથી તેઓ સ્થળ પર ન હોવાથી બચી જવા પામ્યા હોય શકે છે. પરંતુ તેમના લોંચ પેડ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે.