ભાજપનું વર્તન ખેડૂત વિરોધી અને તાનાશાહ જેવું છે, તેની સામે પૂરી તાકાતથી લડવા પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે હાકલ કરી હતી. તેમણે સોમનાથ મહાદેવનાં દર્શન કરી રાજયમાં સુશાસનની પ્રાર્થના કરી હતી.

અમદાવાદથી સોમનાથ સુધી તેમની સંકલ્પ યાત્રાનું પણ સમાપન થયું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ૧૪ પાટીદાર પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ શાંતિથી નહીં બેસે. આંદોલન ચાલુ જ રહેશે.

એક માસ બાદ ફરી લોક સંપર્ક કરવામાં આવશે. સંકલ્પ યાત્રા આજે સવારે ૧૧ વાગ્યે વેરાવળ આવી પહોંચી હતી, બસ સ્ટેશન રોડ ઉપર ગિર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૮૨ કારનો કાફલો સંકલ્પ યાત્રામાં જોડાયો હતો.