ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર નહીં કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ પાસે ગુજરાતના ભવિષ્ય માટે કોઈ વિઝન નથી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપે ગુજરાતની પ્રજાનો અવિશ્વસનીય રૂપે તિરસ્કાર કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન પૂરુ થઈ ચૂક્યુ છે. પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી પ્રજા માટે કોઈ ઢંઢેરો જાહેર કરાયો નથી.

ગુજરાતના ભવિષ્ય માટે ભાજપ પાસે કોઈ વિઝન કે આઈડિયા નથી. તો કોંગ્રેસ તેનો ચૂંટણી ઢંઢેરો પહેલા જ જાહેર કરી ચૂકી છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખુશ રહે ગુજરાત, ખુશહાલ ગુજરાતનો નારો પણ આપ્યો છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી, રોજગારી, શિક્ષણ, મોંઘવારી સહિતના મુદ્દનો ઉલ્લેખ કરીને અનેક લોભામણા વચનો આપ્યા છે.