કોંગ્રેસમાં ઉમેદવારોનાં નામ મુદ્દે રાજ્યના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી નારાજ છે. ભરતસિંહે તેમના ટેકેદારો માટે 50 ટિકિટની માગણી કરી હોવાનું ચર્ચાય છે, પણ તેમની માગણી ન સંતોષાતા તેઓ નારાજ છે. આમ ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે.

માહિતીના આધારે, ભરતસિંહ સોલંકીએ તેમના 50 સમર્થકો માટે ટિકિટની માગણી કરી હતી, પરંતુ તેમની માગણી ન સંતોષાતા તેઓ નારાજ થયા હતા અને શુક્રવારે રાતે જ દિલ્હીથી અમદાવાદ રવાના થઈ ગયા હતા. રાજ્યમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત પણ આ મામલે હાઈ-કમાન્ડને જાણ કરી હતી, કારણ કે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ ગેહલોતને આ અંગે ફરિયાદ કરી ચુક્યા હતા.

બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓ સાથેની વાતચીત મુદ્દે કોંગ્રેસ હાઈ-કમાન્ડ ભરતસિંહ સોલંકીથી નારાજ મનાતું હતું. ઉલ્લેખનીય છે કે, દિનેશ બાંભણિયાના મુજબ, દિલ્હીમાં ભરતસિંહ સોલંકીએ તેમને બેસાડી રાખી મીટિંગ કરી નહોતી અને આથી શુક્રવારે રાતે દિનેશ બાંભણિયાએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે, જો કોંગ્રેસ તેમની માગણીઓ પર 24 કલાકમાં કોઈ નિર્ણય નહિ લે તો ‘પાસ’ કોંગ્રેસના કાર્યક્રમોનો વિરોધ કરશે.