વિજ્ઞાનીઓને બિયરમાંથી ઈંધણ તૈયાર કરવામાં સફળતા મળી છે. આ સફળતાને પગલે પેટ્રોલ પરનું અવલંબન ઘટશે. બ્રિસ્ટલ યુનિવર્સિટી ખાતેના વિજ્ઞાનીઓને બિયરમાંથી મળી રહેતા ઇથેનોલને બુટાનોલમાં તબદીલ કરવામાં સફળતા મળી છે. સંશોધક વિજ્ઞાનીઓનું કહેવું છે કે નવા જ પ્રકારનાં ઈંધણની વપરાશ શરૂ થવાના દિવસ દૂર નથી.

વર્ષ 2022 સુધીમાં તો બિયરમાંથી તૈયાર થનારાં નવાં ઈંધણનો ઉપયોગ શરૂ થઈ જશે. આલ્કોહોલિક પીણામાંનાં મુખ્ય ઘટક ઇથેનોલનો વિશ્વભરમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઉપયોગ થતો રહે છે, પરંતુ ઇથેનોલનો સીધો પેટ્રોલના વિકલ્પના રૂપમાં ઈંધણ તરીકે ઉપયોગ આદર્શ વિકલ્પ નથી, તે એન્જિનને નબળું પાડી શકે છે, તેથી સંશોધકોએ હવે બિયર જેવાં પીણાંમાં ઉપલબ્ધ ઇથેનોલમાંથી રિન્યૂએબલ ઈંધણ તૈયાર કરવાની નવી પદ્ધતિ શોધી કાઢી છે.

રસાયણશાસ્ત્રીઓને હવે પ્રયોગશાળામાં ઇથેનોલને કેટલાક ઉદ્દીપકની મદદથી બુટાનોલ જેવાં ઈંધણમાં તબદીલ કરવામાં સફળતા મળી ગઈ છે. બુટાનોલ આમ તો ઇથેનોલ જેવું જ દ્રવ્ય છે પરંતુ ઈંધણ તરીકે તે વધુ સારો વિકલ્પ પુરવાર થાય છે. વર્તમાનમાં ઉપયોગમાં લેવાતી મોટરકારમાં સાધારણ ફેરફાર કરીને નવાં બુટાનોલ ઈંધણનો ઉપયોગ થઈ શકે તેમ છે.