ઉરી હુમલા બાદ પાકિસ્તાનને એકાંત કરવાની ભારતની ઝુંબેશ અસરકારક સાબિત થઈ રહી છે. અમેરિકી કોંગ્રેસમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાને લઈને બિલ રજૂ કરવામાં આવ્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં બરાક ઓબામાએ પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે.

ઓબામાએ કહ્યું કે, જો કોઈ દેશે કોઈ સામે પ્રોક્સી વોર છેડ્યું હોય તો તેને બંધ કરવું જોઈએ. 18 સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરીમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ આર્મી બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન સાંસદ ટેડ પોએ એક અન્ય સાંસદ ડાના રોહરાબેકર સાથે પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ ડેઝિગ્નેશન એક્ટ (HR 6069) રજૂ કર્યું હતું. પો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આતંકવાદ પર બનેલી સબકમિટીના ચેરમેન પણ છે. પોએ પાકિસ્તાન પર એ પણ આરોપ લગાવ્યા છે કે, પાકિસ્તાને ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો છે. તેના હક્કાની નેટવર્કથી પણ સારા સંબંધો છે. આ પુરાવા જણાવે છે કે આતંકવાદ વિરુદ્ધ છંછેડાયેલા વોરમાં પાકિસ્તાન કઈ બાજુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તેના આઠમાં અને છેલ્લા સંબોધનમાં ઓબામાએ સ્વીકાર્યું કે, ઉગ્રવાદ અને સાંપ્રદાયિક હિંસા પશ્ચિમ એશિયાને અસ્થિર કરી રહ્યું છે તથા તેનો ઘણી અન્ય જગ્યાએ ફેલાવો તાત્કાલિક અટકાવી ન શકાય.