યોગગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીઓને અડ્ડાઓ ખત્મ કર્યા બાદ હવે સરકારે આ આતંકીઓના આકાઓને પણ મારવા જોઇએ. તેમણે કહ્યું કે, દાઉદ ઇબ્રાહિમ, હાફિદ સઇદ, મસૂદ અઝહર અને સલાઉદ્દીનને તેના ઘરની અંદર ઘૂસી મારવા જોઇએ.

સર્જિકલ સ્ટ્રાઇક પર બાબા રામદેવે કહ્યું કે, મોદીને તેનો શ્રેય મળવો જોઇએ, કારણ કે પોલિટિકલ વિલ તો મોદીની હતી. મોદી દેશના વડાપ્રધાન છે એટલા માટે તેમને ક્રેડિટ આપવામાં કોઇ રાજનીતિ ન જોવી જોઇએ. જ્યારે દેશનો મુદ્દો હોય તો સૌએ તેમાં સાથ આપવો જોઇએ. તેમણે રાહુલ ગાંધીના ખૂનની દલાલી વાળા નિવેદનની પણ ટીકા કરી હતી.

તેમણે કહ્યું કે, તેમની આ વાત યોગ્ય ન હતી. પ્રિયંકા ચોપડાના પાક. કલાકારોના સમર્થનના નિવેદન પર તેમણે કહ્યું કે, પાકિસ્તાની કલાકારોને તેમની ફિલ્મોને, સિરીયલોને, દરેક પ્રકારે પ્રતિબંધ મૂકવો જોઇએ. જ્યારે દેશનો અને રાષ્ટ્રનો મામલો છે તો તમામે તેમાં સહમત થવું જોઇએ. કારણ કે ફિલ્મ કલાકારો જે અભિનય કરે છે તેમને વધારે સમજ નથી હોતી. એટલા માટે આ મુદ્દાઓ પર ફિલ્મી કલાકારોએ બોલવાથી બચવું જોઇએ.