મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનઔષધિ તહેત સામાન્ય ગરીબને પણ દવાઓ સરળતાથી મળી રહે તે માટે જે કલ્યાણ અભિગમ દર્શાવ્યો છે તેમાં ગુજરાત પણ પંડિત દીનદયાળજીના જન્મ શતાબ્દી વર્ષમાં દલિત વંચિત પીડિત શોષિત ગરીબને ૩૦૦ જેટલા આવા સ્ટોર્સ દ્વારા દવાઓ પૂરી પાડી સૌના સાથે સૌના વિકાસ સાથે જ સૌના આરોગ્ય સૌની તંદુરસ્તી માટે સંકલ્પબદ્ધ છે, તેમ ઉમેર્યુ હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ-દવા ઉત્પાદકોને વિશ્વમાં નવા રોગોના વ્યાપ સામે નવી શ્રેષ્ઠ ઉપચારાત્મક દવાઓ મળી રહે તેવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-શોધ સંશોધન માટે આહવાન કર્યુ છે. તેમણે ફાર્મા હબ બનેલા ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વિશ્વ જે દિશામાં જઇ રહ્યું છે તે નાવિન્યપૂર્ણ શોધ-સંશોધનનો અવકાશ આપવા સાથે ગુણવત્તાયુકત અને ગરીબ માનવીને પણ પરવડે તેવી કિંમતે ઔષધિ-દવા પૂરી પાડવા અમદાવાદમાં યોજાયેલા ફાર્મેક-ર૦૧૬માં દવા ઉત્પાદકોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી એ જાહેર કર્યુ કે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક, ફાર્મા પાર્ક અને મેડીકલ ડિવાઇસીસ પાર્ક ત્વરાએ શરૂ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ઇન્ડીયન ડ્રગ મેન્યુફ્રેકચરર્સ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં આ ફાર્મેક-ર૦૧૬નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી અનંથકુમાર, રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી તથા આઇ.ડી.એમ.એ.ના પદાધિકારીઓ-અગ્રણી દવા ઉત્પાદકો, આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.